KHERGAM: ખેરગામની સરકારી કોલેજમાં વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારંભ યોજાયો.
વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજમાં તા.૨૯/૦૨/૨૦૨૪ને ગુરૂવારના રોજ સાંસ્કૃતિક સમિતિ અને - સપ્તધારા વિભાગનાં સયુંકત ઉપક્રમે ભૂતપૂર્વ વિદ્યાર્થી-વાલી સંમેલન અને ૩૧મો વાર્ષિકોત્સવ- ઇનામ વિતરણ સમારંભ પ્રિ. ડૉ.એસ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
જેમાં સમારંભનાં ઉદઘાટક તરીકે નારણલાલા કૉલેજ ઓફ પ્રોફેશનલ એન્ડ એપ્લાઈડ સાયન્સ કૉલેજ, એરૂ ચાર રસ્તા નવસારીથી પ્રિ.ડૉ.સુનિલકુમાર એમ.નાયક તેમજ મુખ્ય મહેમાન તરીકે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ઉપ પ્રમુખ લીનાબેન, ખેરગામ સરપંચ ઝરણાબેન, અનેક હોદ્દેદારો, ભૌતિકશાસ્ત્રનાં એસો. પ્રોફેસર અને બાહ્ય કૉલેજ મેમ્બર વી.એસ. પટેલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, પ્રો.દિપેશભાઈ બી.પટેલ,વાલી પ્રતિનિધિ મંડળનાં પ્રમુખ સહ અનેક સામાજિક કાર્યકર્તા, બીલીમોરાના, તેજસભાઈ આર.દેસાઈ, નિવૃત ઈજનેર રમેશભાઈ ડી. પટેલ,વાલી પ્રતિનિધિ મંડળનાં પ્રમુખ, ફાલ્ગુનીબેન કંસારા ઉપસ્થિત રહ્યા હતા જેમને આચાર્ય ડૉ.એસ.એમ. પટેલે શાબ્દિક પરિચય અને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.
પ્રિ.ડૉ.એસ.એમ.પટેલે સાયન્સ કૉલેજનાં અલાયદી મકાનના બાંધકામ માટે ગુજરાત સરકારે રૂ.૨૩ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવતા નકશા, ડિઝાઈન પ્લાન તૈયાર થઈ જશે એટલે ટૂંક સમયમાં ઓડીટોરીયમ હોલ સહિતનું નવા મકાનનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. એવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહ માટે લેબોરેટરીનાં કેમિકલ, સાધનો, ગ્લાસર, ફર્નિચર અને પુસ્તકોની ખરીદી કરવા માટે રૂ.૮૩૬૬૭૦/- ની ફાળવણી કરવામાં આવી હતી.
કૉલેજમાં શૈ.વર્ષ ૨૦૨૨-૨૩માં યુનિ.પરીક્ષામાં કૉલેજ કક્ષાએ પ્રથમ ક્રમાંકિત વિદ્યાર્થીઓ તેમજ રાષ્ટ્રીય સેવા યોજનામાં વિશેષ કામગીરી કરનાર વિદ્યાર્થી અને કૉલેજ કક્ષાએ સ્પોર્ટ્સમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને આવેલ મહેમાનોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં હતા. કાર્યક્રમની શરૂઆત પ્રભુ પ્રાર્થનાથી થઈ હતી.
સરસ્વતી વંદના, અર્વાચીન રાસ, ગરબા, ડાંગી નૃત્ય, ફિલ્મી ગીત, ફિલ્મી ડાન્સ, મરાઠી ડાન્સ, આદિવાસી ડાન્સ, રાજસ્થાની ડાન્સ, પ્રેરણાત્મક નાટક જેવી વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્રારા રજૂ થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડૉ.ધર્મરાજભાઈ ઈ ટેભરે અને T.Y.B.A.નો વિદ્યાર્થી નૈનેશે પટેલ કર્યું હતું અંતે સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પ્રા.જીગરકુમાર વી.પરમારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.